દ્વારકા શા માટે અને કેવી રીતે ડૂબી ગયું?

Posted On:08/10/22

ભગવાન શ્રી કૃષ્ણે મથુરા-વૃંદાવન બાદ સમુદ્રના તટ પર દ્વારકા નગરીને વસાવી હતી. જે આજે ગુજરાતની શાન છે. કેટલીક શોધ પછી સમુદ્રમાં એક નગરી ડૂબી જવાની વાત સામે આવી છે. વાસ્તવમાં આ સમુદ્રમાં સમાયેલી નગરી દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ દ્વારા વસાવવામાં આવેલ નગરી હતી. કૌરવોની માતા ગાંધારી અને ઋષિઓ દ્વારા આપેલા શાપને કારણે આ દ્વારકા નગરી તહસ મહસ થઈ ગઈ હતી. હવે તમને મનમાં સવાલ થશે કે ભગવાન દ્વારા વસાવવામાં આવતી આ નગરીને કોઈ ઋષિ શા માટે શ્રાપ આપે? તો આજે જાણીશું આ રોચક કથા.

મહાભારતના યુદ્ધ પછી

મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને રાજકાજ સોંપ્યુ અને ગાદી પર બેસાડ્યા. કૌરવોની માતા ગાંધારીને મળવા પહોંચ્યા. કૃષ્ણને જોઈને ગાંધારી હૈયાફાટ રૂદન કરવા લાગ્યા અને ક્રોધિત થઈ શાપ આપ્યો કે જે રીતે તમે મારા કુળનો નાશ કર્યો તમારા કુળનો આ જ રીતે કરૂણ અંત આવશે. શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન હતા જો ઈચ્છે તો શ્રાપને નિષ્ફળ કરી શકે તેમણે માનવ રૂપનું સન્માન જાળવ્યુ અને ગાંધારીના શ્રાપને માથા પર ચડાવ્યો.

આ કારણે ઋષિઓએ આપ્યો શ્રાપ

શ્રી કૃષ્ણના પુત્ર સાંબે પોતાના મિત્રોની સાથે હસી મજાક કરી રહ્યા હતા. તે સમયે મહર્ષિ વિશ્વામિત્ર અને કણ્વ ઋષિએ દ્વારકામાં પ્રવેશ કર્યો. જ્યારે સાંબે નવયુવક મિત્રોની દૃષ્ટી આ મહાન ઋષિઓ પર પડી તો તે પુણ્યશાળી આત્માઓનું અપમાન કરવા લાગ્યા. આ યુવકોએ સાંબને મહિલા બનાવી મહર્ષિ વિશ્વામિત્ર અને કણ્વ ઋષિની સામે પહોંચીને કહ્યુ કે તે ગર્ભવતી છે તમે જોઈને કહો તેને ત્યાં કેવુ બાળક અવતરશે. બંને ઋષિઓએ આ મજાકથી ક્રોધિત થઈ કહ્યુ કે તારા ગર્ભથી એક ઉંદર ઉત્પન્ન થશે. જે તમારા સમગ્ર કુળનો નાશ કરશે.

શ્રી કૃષ્ણએ કર્યુ ઋષિઓનું સન્માન

આ સમગ્ર ઘટનાની જાણ શ્રી કૃષ્ણને થઈ તો તેમણે કહ્યુ કે આ ઋષિવાણી છે જે વ્યર્થ નહી જાય. શ્રી કૃષ્ણે જાહેરાત કરાવી કે કોઈ પણ નગરવાસી પોતાના ઘરમાં મદિરા નહી બનાવે. કેમકે ભગવાન જાણતા હતા કે ભવિષ્યમાં આ જ વસ્તુઓ નાશ કરશે તેમના સમગ્ર યદુવંશને.

મહાભારતના યૂદ્ધબાદ સમગ્ર યદુવંશનો નાશ થયો. બળરામે દેહ ત્યાગ કર્યો. શ્રી કૃષ્ણ એક વૃક્ષ નીચે બેસી ગયા. ત્યારે જરા નામના એક શિકારીએ તેમના પગ પર તીર ચલાવ્યુ શ્રી કૃષ્ણે દેહ ત્યાગી દીધો. અર્જુને દ્વારકા પહોંચી વાસુદેવજીને કહ્યુ કે નગરમાં શેષ વધેલા લોકોને હસ્તીનાપુર જવાની તૈયારી કરાવો. પછી અર્જુને પ્રભાસ ક્ષેત્ર જઈને તમામ યદુવંશીઓના અંતિમ સંસ્કાર કર્યા. જેવા અર્જુન બાળકો અને મહિલાઓને લઈને નિકળ્યા દ્વારકાનો રાજમહેલ અને નગરી સમુદ્રમાં સમાઈ ગઈ.