કોણ છે નાગરાજ વાસુકી જે શિવજીના ગળામાં રહે છે, જાણો તેમની સાથે જોડાયેલી રોચક કથા.

Posted On:08/2/22

વાસુકી નાગે દેવતાઓની ઘણી વખત મદદ કરી, તેમના લીધે સમુદ્ર મંથન શક્ય બન્યું હતું.

આ વખતે નાગ પંચમીનો તહેવાર દક્ષિણ ગુજરાતમાં 2 ઓગસ્ટ મંગળવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. અન્ય જગ્યાઓ પર 16 ઓગસ્ટના રોજ નાગપંચમી ઉજવાશે. આ દિવસે મહિલાઓ નાગ દેવતાની પૂજા કરે છે જેથી નાગ દેવતાની કૃપા સદાકાળ બની રહે અને સાપના ભયથી મુક્તિ મળે. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ નાગ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. સર્પોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેઓ કયા ઋષિના સંતાન છે, શા માટે તેમણે જન્મેજયના નાગદાહ યજ્ઞમાં ભસ્મ થવું પડ્યું? આ બધી બાબતોનું વર્ણન આપણા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે સર્પોના રાજા વાસુકી છે અને તે પૃથ્વીની નીચે નાગની દુનિયામાં રહે છે. વાસુકી નાગે દેવતાઓની ઘણી વખત મદદ કરી છે. આજે અમે તમને વાસુકી નાગ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

આવી રીતે બન્યા નાગોના રાજા :

મહાભારત અનુસાર, ઋષિ કશ્યપની પત્ની કદ્રુથી હજારો સર્પોનો જન્મ થયો હતો. તેમાંથી શેષનાગ સૌથી મોટા હતા. સર્પોએ તેમને રાજા બનવા કહ્યું પરંતુ શેષનાગ ભગવાન વિષ્ણુની ભક્તિ મેળવવા માંગતા હતા. જેના માટે તે તપસ્યા કરવા ગયા. જે પછી બધા નાગોએ મળીને વાસુકીને રાજા બનાવ્યા. ભગવાન શિવના ગળામાં એ વાસુકી નાગ જ રહે છે.

 

સમુદ્ર મંથનમાં વાસુકી દોરડું બન્યા હતા :

જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કરવાનો નિર્ણય કર્યો ત્યારે નક્કી થયું કે મંદરાચલ પર્વતને વલોણું બનાવીને સમુદ્ર મંથન કરવામાં આવશે. પરંતુ આના પર સવાલ એ ઊભો થયો કે આટલું મોટું દોરડું એટલે નેતિ (વલોણાનું નેતરું) ક્યાંથી આવશે. કારણ કે મંદરાચલ પર્વત ઘણો વિશાળ હતો. આ સમસ્યાના ઉકેલ માટે દેવો અને દાનવો સાથે મળીને નાગરાજ વાસુકી પાસે ગયા અને તેમને સમુદ્ર મંથનમાં વલોણાનું નેતરું બનવા વિનંતી કરી. વાસુકીએ આ વિનંતી સ્વીકારી લીધી અને વલોણાનું નેતરું બન્યા.

વાસુકી ધનુષ્યથી પણછ બન્યા હતા :

ધાર્મિક ગ્રંથો અનુસાર, તારકાક્ષા, કમલાક્ષ, વિદ્યુન્માલી નામના ત્રણ રાક્ષસો હતા. તેમના નગરો આકાશમાં તરતા રહેતા હતા. તેમને બ્રહ્મા દ્વારા વરદાન આપવામાં આવ્યું હતું કે તે ત્રણ નગરો કોઈ એક જ તીરથી નાશ પામી શકે છે. એ પછી તે ત્રણ રાક્ષસોએ પોતાની શક્તિથી સમગ્ર વિશ્વને કબજે કરી લીધું હતું. પછી ઈન્દ્ર શિવજી પાસે ગયા. તે સમયે મહાદેવ ત્રિપુરોનો નાશ કરવા સંમત થયા. હિમાલય ત્રિપુરાઓના વિનાશ માટે ધનુષ્ય બની ગયા અને વાસુકી તેની પણછ બની ગયા. ભગવાન વિષ્ણુ પોતે તીર બન્યા અને અગ્નિદેવ તેનો છેડો બન્યા. શિવે એ દૈવી ધનુષ્યથી ત્રિપુરોનો નાશ કર્યો હતો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.