ગીરના જંગલમાં આવેલું આ મહાદેવનું મંદિર જે વર્ષમાં માત્ર 2 વાર દર્શન માટે ખુલે છે, જાણો…

Posted On:08/9/22

પવિત્ર શ્રાવણ માસ એટલે શિવજી નો મહીનો અને શિવમંદીરો મા શિવભકતો ની ભારે ભીડ જોવા મળે છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આજે આપણે એક એવા શિવમંદીરના દશઁન કરીશું કે જે કુદરતની ગોદમા અને ગીર જંગલ વિસ્તારમાં આવેલુ છે. ગીર સોમનાથનાં ગીરગઢડા પાસે બાબરીયાનાં જંગલમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર ગીર જંગલ સેન્ચ્યુરી વિસ્તારમાં આવેલું છે.

આ મંદિરમાં વર્ષમાં માત્ર બે વખત જ શ્રદ્ધાળુઓને દર્શન કરવા જવા મળે છે. શિવરાત્રી દરમિયાન 5 દિવસ અને શ્રાવણ માસ આખો યાત્રાળુઓને દર્શન અર્થે વન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓને પરવાનગી આપવામાં આવે છે. અતિ પ્રાચીન આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટે છે.

ગીરમાં અનેક ફરવા લાયક કુદરતી સ્થળ અને મહાભારત સમયના અનેક શિવલિંગો આવેલા છે. બાબરિયા ગામથી આઠ કિલોમીટર અંદર બાબરીયા જંગલમાં આવેલું તીર્થ સ્થાન પાતાળેશ્વર મહાદેવ અતિ રમણીય છે.

બાબરીયાનું આ જંગલ સિંહો, દીપડા સહિતનાં પ્રાણીઓનું રહેઠાણ ગણવામાં આવે છે. એટલે આ ગીરને 1990 માં સેન્ચુરી એરિયા જાહેર કરવામાં આવ્યું છે. બસ અહીં સંભળાય છે તો માત્ર ડાલા મથ્થાની ડણક જે ભલ ભલાને ગગડાવી નાખે છે.

વર્ષ ભર સામાન્ય લોકો માટે અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે વન વિભાગ દ્વારા આ શિવાલયની જાળવણી કરાય છે. એવું કહેવાય છે કે આ શિવાલય સાથે માલધારીઓની મોટી આસ્થા જોડાયેલી છે. આ શિવલિંગના દર્શન કરનારને મન વાંછિત ફળ મળે છે.

મધ્યગીરે આવેલા આ પાતાળેશ્વર મંદિરનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે. પતંજલિ ઋષિનાં સમયે પણ આ મંદિર હાલની આ જગ્યાએ જ હતું. અને આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું શિવલિંગ છે. તો હજારો વર્ષો પહેલા પાંડવો એ પોતાના વનવાસ દરમ્યાન 7 વર્ષ અને 4 મહિના ગીરનાં જંગલમાં વસવાટ કર્યો હતો એવું પણ કહેવાય છે.

ભીમને વ્રત હતું કે, તેઓ શિવજીનાં દર્શન અને પૂજા કર્યા સિવાય ભોજન લેતા ન હતા, જેથી પાંડવો એ ગીરમાં પ્રાચીન શિવાલયો શોધ્યા હતા. રૂધિરેશ્વર, બાણેશ્વર, ભીમચાસ, ભીમદેવળ, કુશેશ્વસર, બથેશ્વર સહિતનાં આ પાતાળેશ્વર મહાદેવ મંદિરની પૂજા પાંડવો કરતા હતા. આ શિવાલય પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયું હતું, જેથી તે પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા છે.