ગુજરાતનું 500 વર્ષથી પણ જૂનું છે આ શિવ મંદિર, મહાદેવની માનતા રાખવાથી ગમે તેવા ‘મસા’ મટી જાય

ગુજરાતનું 500 વર્ષથી પણ જૂનું છે આ શિવ મંદિર, મહાદેવની માનતા રાખવાથી ગમે તેવા ‘મસા’ મટી જાય

શ્રાવણ મહિનો શરૂ થતાં જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. ત્યારે મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડથી માત્ર ત્રણ કિમીના અંતરે બોરિયાવી ગામે મસિયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં મસિયા મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે. આ મંદિર 500 વર્ષથી પણ જૂનું છે. મંદિરમાં મીઠું, મરી, ગોળનો પ્રસાદ ચડાવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં મંદિરમાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. મહાદેવની બાધા રાખવાથી મસો મટતો હોવાની શ્રદ્ધાળુઓની ભારે આસ્થા છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં શિવ પરિવાર નથી, માત્ર શિવજી એક જ છે.

શું છે મસિયા મહાદેવનો ઇતિહાસ?
લોકવાયકા પ્રમાણે, ઘણાં વર્ષો પહેલાં ગામની પશ્ચિમે 6 કિલોમીટર દૂર આવેલા ખારા ગામના મઢ (ટેકરી)ના મહંતની ઘોડીને મસો થયો હતો, જે મટતો ન હોવાથી મહંત ચિંતિત રહેતા હતા.

આ દરમિયાન એક રાત્રે મહંતને સ્વપ્ન આવ્યું કે બોરિયાવી ગામની ઉત્તર બાજુએ વાયવ્ય ખૂણામાં એક આંબલી છે, એની નીચે કંથેરનું ઝાડું અને ઉકરડો છે. એ જગ્યા સાફ કરાવી મીઠાની ગૂણ ચડાવજો, જેથી ઘોડીને મસો મટી જશે. જેથી મહંતે દૃઢ વિશ્વાસથી બોરિયાવી ગામ આવી આંબલી નીચેની જગ્યા સાફ કરાવી હતી.

આ દરમિયાન ઝાડું ખોદતી વખતે મહંતને કોદાળી વાગતાં લોહીની ધારા નીકળી હતી અને સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારે શિવલિંગની સ્થાપના કરી લોકો ભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરવા લાગ્યા હતા. મસિયા મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હોવાની ગામેગામ વાતો થવા લાગી હતી, જેથી લોકો બાધા રાખવા લાગ્યા હતા. ભક્તોની આસ્થાથી મસા જેવા રોગ દૂર થવા લાગ્યા હતા.

મહાદેવની ટેક રાખી ગામના વતનીએ મોટું શિવાલય બનાવડાવ્યું
શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે. દર સોમવારે અહીં મેળો ભરાય છે તેમજ શ્રાવણ અમાસે અહીં ગામમાં મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં હજારો ભાવિ ભક્તો આજુબાજુનાં ગામોમાંથી ઊમટી પડે છે. આ ભવ્ય શોભાયાત્રા આખા ગામમાં ફરે છે.

ગામના જ સેવાભાવિ લોકો દ્વારા લીંબુ, શરબતના કેમ્પ કરી સેવા કરતા હોય છે. મહાદેવની ટેક રાખી ગામના વતનીએ મોટું શિવાલય બનાવડાવ્યું છે તેમજ આ મંદિર સંકૂલમાં સત્સંગ હોલ, કોમ્યુનિટી હોલ, ધર્મશાળા સહિતની સુવિધાઓ વિકસાવાઈ છે.

46 વર્ષના નારણભાઈ 7 વર્ષના હતા ત્યારથી મંદિરમાં સેવા કરે છે
બોરિયાવી ગામમાં રહેતા નારણભાઈ હાલમાં મંદિરમાં સેવા પૂરી પાડી રહ્યા છે. ત્યારે નારણભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું બાળપણમાં આ મંદિરમાં રમવા આવતો અને ભજન-કીર્તન જોવા આવતો હતો.

એ સમયગાળા દરમિયાન મારી ઉંમર 7 વર્ષની હતી ત્યારથી હું મંદિરમાં સેવા આપી રહ્યો છું અને મારું નામ ગામમાં નારણ મસિયા તરીકે ઓળખાય છે. અત્યારે મારી ઉંમર 47 વર્ષ થઈ છે તેમ છતાં હજુ હું આગામી વર્ષો સુધી પણ આ મંદિરમાં સેવા આપતો રહીશ.

admin