એક સાથે કરાયા પતિ-પત્નીના અંતિમ સંસ્કાર, માતાનું છાતીફાટ રૂદન, સર્જાયા કરુણ દ્રશ્ય

Posted On:08/3/22

રાજકોટ શહેરમાં 11 દિવસમાં દંપતીએ સજોડે આપઘાત કર્યા હોવાની બીજી ઘટના સામે આવી છે. 15 જુલાઇના રોજ મોરબી રોડ પર દંપતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી ત્યાં આજે વધુ એક દંપતીએ લગ્નજીવનના દોઢ જ મહિનામાં ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવા કાર્યવાહી હાથ ધરી છે. આપઘાત શા માટે કર્યો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી માટે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના રેલનગર વિસ્તરમાં આવેલ સંતોષીનગર ફાટક પાસે નવદંપતીએ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જે બાદ તપાસ કરતા મૃતક કરણ પંચાસરા (ઉ.વ.22) અને સ્નેહા પંચાસરા (ઉ.વ.22) બન્ને પતિ પત્ની હોવાનું અને રેલવે ફાટકની સામે સંતોષીનગરમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતી વહેલી સવારે ચાર વાગ્યે ઉઠ્યું હતું. નિયત ક્રમ મુજબ દંપતીએ સવારે 4:00 વાગ્યે પાણી પણ ભર્યું હતું. ત્યારબાદ સવારના 5:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરની સામે આવેલા પાટા પર જઈને બંનેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે મૃતક કરણ અને સ્નેહાએ દોઢ મહિના પૂર્વે જ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે જો કે તેઓ આપઘાત શા માટે કર્યો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી માટે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવક મજૂરી કામ કરી પોતાનું તેમજ પરિવારનું આર્થિક ગુજરાત ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. દંપતીએ ક્યા કારણોસર આપઘાત કરી લીધો છે તે અંગે હાલ પરિવારજનો પણ કશું જણાવી રહ્યા નથી. સંભવતઃ દંપતીએ પારિવારિક કે અન્ય કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પૂર્વે દંપતીએ ગળેફાંસો ખાધો હતો
ગત 15 જુલાઈના રોજ રાજકોટ શહેરના મોરબી રોડ પરની જય જવાન જય કિશાન સોસાયટીમા રહેતા બાબુ સોલંકી (ઉ.વ.21) અને તેમના પત્ની મમતા સોલંકી (ઉ.વ.20) એ વહેલી સવારે સાતેક વાગ્યે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ દંપતીના લગ્ન પણ 5 માસ પૂર્વે થયા હોવાનું અને ગૃહક્લેશમાં આપઘાત કર્યા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.