સોમવારનું વ્રત કરનાર કન્યાના પતિની રક્ષા કરી શિવ પાર્વતીએ તેનો ચૂડી-ચાંદલો અખંડ રાખ્યો, વાંચો કથા.

Posted On:08/2/22

સતિ સિમંતિની”

(જેઓ અખંડ સોમવારનું વ્રત કરતા હોય તેમણે સોમવારે સવારે નદીએ નાહી આવીને મહાદેવજીની પૂજાભક્તિ કરવાની અને ઘેર આવીને ઘીનો દીવો કરી આ કથા કહેવાની અથવા સાંભળવાની ત્યાર પછી જમી શકાય.)

આપણા દેશમાં ચિત્રસેન નામે એક પરોપકારી રાજી થઈ ગયો. રાજા છતે વૈભવે દુ:ખી હતો. એક પણ સંતાન નહિ તેથી રાજા-રાણી હંમેશા ઉદાસ રહેતાં હતાં. રાજાના પ્રધાને કોઈ બીજી રાજકુંવરી સાથે લગ્ન કરવાની રાજાને ભલામણ કરી, પણ રાજાએ બધું ભગવાનના ભરોસે ભાગ્ય ઉપર છોડી દીધું હતું. રોજ રાજા સવાર-સાંજ પ્રભુને પ્રાર્થના કરતો કે, ‘હે ભગવાન, મારી અરજ સાંભળીને દુ:ખ દૂર કરો.’

નારદને ખબર પડી કે ચિત્રસેન રાજા પ્રભુ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. તેથી તેઓ પ્રસન્ન થઈ, ‘નારાયણ નારાયણ…’ કરતા રાજાને મહેલે પધાર્યા. રાજાએ તેમનું પૂજન કરીને સિંહાસન ઉપર બેસાડ્યા પછી નારદજીએ ચિંતાનું કારણ પૂછ્યું તો રાજાએ કહ્યું, ‘મુનિવર! અપાર વૈભવ છતાં રાજગાદી ભોગવનાર સંતાન નથી તેની મને ચિંતા થાય છે.’

નારદજી બોલ્યા, ‘હે રાજા! તમે યજ્ઞ કરો તો તમને જરૂર સંતાનનું સુખ મળે. યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ તેની પ્રસાદી રાણીને આપજો. તેના પ્રભાવથી પુત્ર તો નહિ પરંતુ એક રૂપાળી પુત્રીનો જન્મ થશે.’ રાજાએ યજ્ઞ કરીને ઘણું જ દાન કર્યું અને યજ્ઞની પ્રસાદી રાણીને આપી. ત્યારથી રાણીને ચડતા દિવસો થયા અને નવ માસ પૂરા થતા રાણીએ એક સ્વરૂપવાન પુત્રીને જન્મ આપ્યો.

કું-વરીનું ભવિષ્ય જાણવા રાજાએ રાજ જ્યોતિષીને બોલાવ્યા. તેમણે કું-વરીની કુંડળી કાઢી પરંતુ કુંડળી જોતાં તેઓ વિચારમાં પડી ગયા. રાજા કહે, ‘પંડિતજી! કું-વરીનું નામ શું રાખવું? તેનું ભાગ્ય કેવું છે? જે હોય તે સાચું કહેજો.’

જ્યોતિષી કહે, ‘કું-વરીનું નામ ‘સિમંતિની’ રાખજો, ચૌદ વર્ષ સુધી તેનું ભાગ્ય સારું છે અને કોઈ મોટા રાજા સાથે તેનું લગ્ન થશે, પરંતુ…. ચૌદમા વર્ષે તે વિધવા બને એવો ઘાતક યોગ છે.’ રાજાને બહુ દુઃખ થયું. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. અરેરે દીકરીનો રંડાપો તે કેમ જોવાય? જ્યોતિષીએ ફરી કુંડળી જોઈ કહ્યું, ‘મહારાજ! વૈધવ્યયોગ સાથે સૌભાગ્યયોગ પણ છે. તે વિધવા થશે એમાં કોઈ શંકા નથી પરંતુ મહાદેવજીની કૃપાથી તેનો ચૂડી-ચાંલ્લો અખંડ રહેશે.’

રાજાને આ સાંભળી શાંતિ વળી. સિમંતિની લાડમાં ઉછરવા લાગી. પરંતુ તે તેર વર્ષની થઈ ત્યાં સુધીમાં શાસ્ત્રમાં પારંગત બની ગઈ હતી. જ્યારે સિમંતિનીનાં લગ્નની તૈયાર થવા માંડી ત્યારે સિમંતિના કાને વાત આવી કે પોતે ચૌદમા વરસે વિધવા બનવાની છે, આથી તે ખૂબ જ કલ્પાંત કરવા લાગી. આ દુઃખના નિવારણ માટે તે યાજ્ઞવક્ય ઋષિનાં પત્ની મૈત્રેયી પાસે દોડી ગઈ અને મમતાથી કહ્યું, ‘માં! મેં એવાં તે શાં પાપ કર્યા હશે કે આ ભવમાં મારે બાળવિધવા થવું પડશે? મને પાપનું નિવારણ બતાવો.’

મૈત્રેયી કહે, ‘બેટી! સૌભાગ્યદાતા ભગવાન મહાદેવજી છે. તું જો સોળ સોમવારનું વ્રત કરે તો ભગવાન તારા ઉપર પ્રસન્ન રહેશે અને તારો ચૂડી-ચાંલ્લો અખંડ રહેશે.’ સિમંતિની હર્ષ પામતી મહેલે દોડી ગઈ અને બીજે દિવસે સોમવાર હતો એટલે તેણે સોળ સોમવારના વ્રતની શરૂઆત કરી. આખો દિવસ તેણે ભગવાનની ભક્તિ કરી.

સિમંતિનીએ થોડા સોમવાર કર્યા હશે ત્યાં તેના લગ્ન નિરધાર્યા. તેને પરણવા ચિત્રાંગદ નામે રાજકુમાર વાજતે ગાજતે આવ્યા. લગ્નવિધિ પતી જતાં ચિત્રસેન રાજા તથા રાણીએ ભારે હૈયે સિમંતિનીને સાસરે વળાવી. સિમંતિની રથમાં બેઠી અને સારથિએ નૈષધ દેશ તરફ ઘોડા દોડાવી મૂક્યા. સાસરે જઈને પણ સિમંતિની સોમવારનું વ્રત કરતી રહી. પોતાના સૌભાગ્ય માટે તે રોજ પ્રાર્થના કરતી હતી.

એક દિવસ સિમંતિની તેના પતિ ચિત્રાંગદ સાથે જળવિહાર કરવા જમના નદીના તટ પર આવી. સાથે પતિના મિત્રો પણ હતા, નૌકા તૈયાર હતી. બધા તેમાં બેસી ગયા પણ સિમંતિની બેઠી નહિ. તેણે ચિત્રાંગદને કહ્યું, ‘નાથ! પવનનું તોફાન થાય એવા ભણકારા મને વાગી રહ્યા છે, માટે તમે જવાનું માંડી વાળો, તમારા મિત્રો ભલે જાય.’

ચિત્રાંગદે માન્યું નહિ. તેઓએ નૌકા હંકારાવી મૂકી. સિમંતિની કિનારે જ બેસી રહી હતી. પણ આ શું! નૌકા બે કિનારાની વચમાં હતી એવું વાવાઝોડું થયું કે બેઠેલાં બધાં પાણીમાં ડૂબકીઓ ખાવા લાગ્યા. કિનારે ઊભેલી સિમંતિનીએ આ કરુણ દશ્ય જોયું ને તેની આંખે અંધારા આવી ગયાં. તેને મનમાં થયું કે જરૂર પોતાના પતિ જમનાના જળમાં ડૂબી ગયા.

પાણીમાં પડેલાઓને બચાવવા કિનારેથી ઘણા માણસો ગયા. પણ કોઈ હાથ આવ્યું નહિ. તેથી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા અને સિમંતિનીને સમાચાર કહ્યાં. આથી તે ચોધાર આંસુ સારતી મહેલે ગઈ. બધા શોકમાં ડૂબી ગયા. પ્રજાજનો પણ ચોધાર આંસુ સારવા લાગ્યા.

હવે આ બાજુ બન્યું એવું કે જ્યાં નૌકા ઊંધી વળી ગઈ હતી ત્યાં નાગકન્યા ઊભી હતી. તેણે પાણીમાં પડેલા ચિત્રાગંદનો હાથ ખેંચી પોતાની પાસે લઈ લીધો. તેને લઈ તે રાજા પાસે ગઈ અને કહ્યું, ‘પિતાજી! આ જવાનને મેં પાણીમાં ડૂબતાં બચાવ્યો છે. હવે એને કિનારે પહોંચતો કરો.’ નાગરાજે ચિત્રાંગદના પગમાં ‘પવન પાવડી’ પહેરાવી. હુકમ કર્યો, ‘હે પવન પાવડી! જવાનને તેના મહેલે પહોંચાડી દે.’ પાવન પાવડી જોત જોતામાં ચિત્રાંગદને તેના મહેલની અગાશીમાં પહોંચાડી આવી. ચિત્રાંગદને જીવતો જોઈ બધાને આનંદ થયો. આખા નગરમાં આનંદ આનંદ થઈ ગયો.

ચિત્રાંગદ સમજી ગયો કે સિમંતિની સોમવારનું વ્રત કરે છે. તેના પ્રતાપે જ પોતે જીવતો ઘેર આવ્યો છે. તેથી તે હંમેશાં મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યો. શંકર-પાર્વતીની કૃપાથી સિમંતિનીનો ચૂડી-ચાંદલો અખંડ રહ્યો. તેથી તેણે હંમેશ માટે સોમવારનું વ્રત ચાલુ રાખવાનો સંકલ્પ કર લીધો અને તે ભાવથી ભક્તિ કરવા લાગી.

વ્રતના પ્રભાવથી આગળ જતાં સિમંતિનીએ એક પછી એક એમ આઠ પુત્રોને જન્મ આપ્યા અને તે પુત્રો એવા પરાક્રમી નીકળ્યા કે ચારે બાજુ એમની કીર્તિના ડંકા લાગવા લાગ્યા. જે ભાવિકો આ સતી સિમંતિનીની કથા સાંભળશે, સંભળાવશે તેના પર શંકર ભગવાનની કૃપા ઊતરશે અને તેઓની તમામ ઈચ્છા પૂર્ણ થશે.