ગુજરાતના સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા મોટા યાત્રાધામને કરાશે ભિક્ષુક મુક્ત, જાણો શું છે સરકારનું આયોજન…

Posted On:08/9/22

ગુજરાત રાજ્યમાં અનેક પવિત્ર યાત્રાધામ આવ્યા છે અને સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ ગુજરાતના સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા યાત્રાધામમાં દર્શન માટે આવતા હોય છે. જેમાં યાત્રાધામ ખાતે અનેક ભિક્ષુકો લોકો પાસેથી ભિક્ષા માગતા હોય છે. જેને લઈને હવે ભવિષ્યમાં ભિક્ષુકો ભિક્ષા માગતા હોય તેવા દ્રશ્યો આગામી સમયમાં ભૂતકાળ બનશે. કારણ કે સરકાર આગામી સમયમાં ભિક્ષુક પ્રોજેકટને લઈને ચર્ચાની કાર્યવાહી ચાલી રહી છે.

શું છે સરકારનું આયોજન?
સમગ્ર યોજના અંગે યાત્રાધામ વિભાગ મંત્રી પુર્ણેશ મોદીએ વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની ૧૦થી વધુ એજન્સીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. યાત્રાધામ ખાતે જે લોકો રોડ પર ઉતરી જતા હોય, ફૂટપાથ પર સૂતા હોય, ભિક્ષુકવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેવા લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. તે બધાને એક જગ્યાએ ભેગાં કરીને તેમને સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ સરકારી યોજના જેવી કે માં અમૃતમ કાર્ડ યોજના, પીએમજેવાય કાર્ડ સહિતના લાભ આપવાની કામગીરી કરવામાં આવશે.

રેન બસેરા જેવું એક અલગ માળખું તૈયાર કરવામાં આવશે કે જ્યાં તમામ ભિક્ષુકોને કપડાં આપવામાં આવશે, વાળ કાપવામાં આવશે, સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને તેમને સરકારી આવાસ યોજનાના લાભ આપવા પણ સરકારે વિચારણાં કરી છે.

ભિક્ષુકોનું કાઉન્સેલિંગ કરાશે : પુર્ણેશ મોદી
ધાર્મિક સ્થળો પર ભિક્ષુકવૃત્તિને પ્રોત્સાહન ના મળે તે માટે ભિક્ષુકોને એક જ સ્થળ પર ભેગાં કરીને સરકાર દ્વારા કાઉન્સેલિંગ કરાશે. કાઉન્સેલિંગના અંતે જે-તે ભિક્ષુકને તેની ક્ષમતા અને આવડતને આધારે કામગીરી સોંપી આત્મ નિર્ભર બનાવાશે.

ભિક્ષુકો માટે રોજગારી, રહેઠાણ જેવી સુવિધા ઉભી કરાશે
રાજ્ય સરકાર દ્વારા રાજપીપળા ખાતે ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. ગુજરાતના તમામ ધાર્મિક પ્રવાસન સ્થળ પર કોઈ પણ ભિક્ષુક જોવા ના મળે તેને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં તમામ ધાર્મિક પ્રવાસન સ્થળ પર આ પ્રોજેકટ અમલી બનાવાશે અને જૂન માસમાં યોજાનારી કલેક્ટર રીવ્યુ કોન્ફરન્સમાં જે-તે જીલ્લાના તમામ જીલ્લા કલેક્ટર , તમામ આઠેય પ્રવાસન સ્થળના ટ્રસ્ટીઓ સાથે રીવ્યુ બેઠક કરીને પ્રોજેકટ અમલી બનાવવા સુચના અપાશે.

કેટલા લોકો પર કેવી રીતે કાઉન્સેલિંગ કરાયું હતું ?
રાજપીપળા ખાતે હાથ ધરવામાં આવેલા પાયલોટ પ્રોજેકટમાં કુલ ૧૭૬થી વધુ લોકોનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. હાલના તબક્કે આ પ્રોજેકટ હેઠળ કુલ ૧૩૬ લોકો લાભ લઈ રહ્યાં છે જેમાં ૭૭ પુરૂષ અને ૫૯ મહિલાનો સમાવેશ થાય છે.

પાયલોટ પ્રોજેકટમાં કેવા અનુભવો થયા ?
રાજપીપળા ખાતે શરૂ કરાયેલો પાયલોટ પ્રોજેકટ હજુ પણ કાર્યરત છે. તમામ ભિક્ષુકોનું કાઉન્સિલિંગ શરૂ કરાયું હતું. જો કે, આ પ્રોજેક્ટની ચાલુ કામગિરી દરમિયાન ૫૦ જેટલા ભિક્ષુકો રેન બસેરામાંથી નીકળી જવામાં સફળ રહ્યાં હતા અને ફરીથી ભિક્ષાવૃત્તિમાં જોડાઈ ગયા હતા. આમ, રાજ્ય સરકાર માટે આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવું લોઢાના ચણા ચાવવા સમાન પણ બની શકે છે.