જાણો શંકરદાદાના તે મંદિર વિષે જેના શિવલિંગની સ્થાપના ભગવાન પરશુરામે કરી હતી, વાંચો તેની કથા.

Posted On:08/2/22

પોતાના આ કર્મનું પ્રાયશ્ચિત કરવા ભગવાન પરશુરામે કરી હતી આ શિવલિંગની સ્થાપના, જાણો મંદિરનો મહિમા.

આમ તો શ્રાવણ માસનો દરેક દિવસ પોતાનામાં પવિત્ર છે. પરંતુ આ મહિનામાં આવતા સોમવાર, પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રીની વિશેષ માન્યતા છે. આ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામે છે. આજે અમે તમને પરશુરામેશ્વર પુરમહાદેવ મંદિર વિશે જણાવીશું, જે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની નજીક આવેલું છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર છે.

દર વર્ષે અહીં શ્રાવણ માસની શિવરાત્રિ પર ચાર દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. તેને કાવડ મેળો કહે છે. આ દરમિયાન લાખો કાવડિયાઓ હરિદ્વારથી ઉઘાડા પગે ચાલીને ગંગાજળ લાવી મહાદેવનો જલાભિષેક કરે છે.

મહાદેવની ભક્તિ સામે આ કાવડિયાઓને પોતાનું દુઃખ દેખાતું નથી. ઉઘાડ પગે મુસાફરી કરતી વખતે કાવડિયાઓને ન તો પગમાં ફોલ્લી પડવાની ચિંતા હોય છે કે ન તો ચોમાસાના વરસાદની. તેમના પર પુરમહાદેવના દર્શન કરવાની અને તેમનો જલાભિષેક કરવાની ધૂન સવાર રહે છે. આવો જાણીએ પુરમહાદેવ મંદિરનો મહિમા.

ભગવાન પરશુરામે આ શિવલિંગની સ્થાપના કરી હતી :

મહાદેવનું આ મંદિર બાગપત જિલ્લા મુખ્યાલયથી 25 કિલોમીટર દૂર પુરા ગામમાં હિંડન નદીના કિનારે બનેલું છે. કહેવાય છે કે ઋષિ જમદગ્નિ પોતાની પત્ની રેણુકા સાથે આ સ્થાન પર રહેતા હતા. કહેવાય છે કે આ સ્થાન પર પરશુરામે પિતા જમદગ્નિની આજ્ઞા અનુસાર માતા રેણુકાનો શિ-ર-ચ્છે-દ કર્યો હતો. એ પછી પશ્ચાતાપ કરવા માટે, તેમણે આ સ્થાન પર શિવલિંગની સ્થાપના કરી અને શિવજીની કઠોર તપસ્યા કરી.

પરશુરામની દ્રઢતાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને દર્શન આપ્યા અને તેમની માતાને જીવિત કર્યા. ઉપરાંત, ભગવાન શિવે પરશુરામને ફરસી આપી હતી, જેનાથી તેમણે 21 વાર ક્ષત્રિયોનો નાશ કર્યો હતો.

પુરા નામના સ્થળે હોવાને કારણે અને પરશુરામ દ્વારા આ શિવલિંગની સ્થાપના થઈ હોવાને કારણે આ મંદિર પરશુરામેશ્વર પુરા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે.

રાણીએ મંદિર બનાવડાવ્યું હતું :

સમય જતાં તે જગ્યા ખંડેરમાં ફેરવાઈ ગઈ અને શિવલિંગ પણ ક્યાંક માટીમાં દટાઈ ગયું. એવું કહેવાય છે કે એકવાર લંડોરાની રાણી ફરવા નીકળી હતી, ત્યારે તેમનો હાથી આ જગ્યાએ અટકી ગયો હતો. લાખ પ્રયત્નો પછી પણ હાથી આગળ વધવા તૈયાર ન હતો. આનાથી રાણીને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેમણે તે જગ્યાએ ખોદકામ કરવાનો આદેશ આપ્યો. ખોદકામ કરતી વખતે ત્યાંથી આ શિવલિંગ મળી આવ્યું હતું. આ પછી, રાણીએ અહીં એક ભવ્ય મંદિર બનાવડાવ્યું.

કાવડ મેળો :

દર વર્ષે શ્રાવણ શિવરાત્રી પર અહીં ચાર દિવસીય કાવડ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન અહીં કાવડિયાઓની ભારે ભીડ જામે છે, જેની વ્યવસ્થા માટે પ્રશાસને ખાસ વ્યવસ્થા કરવી પડે છે.

આ મંદિરના પૂજારીનું શું કહેવું છે :

કહેવાય છે કે આ મંદિરમાં માંગેલી દરેક મનોકામના પૂરી થાય છે. પરશુરામેશ્વર પુરા મહાદેવ મંદિરના મુખ્ય પૂજારી જણાવે છે કે કાવડિયાઓ અને ભક્તો દરરોજ જલાભિષેક કરવા મંદિરે આવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.