અહીંયા ધરતી ચીરીને હનુમાનજી થયા હતા સ્વંય પ્રગટ, આસ્થા એવી કે દરેક મનોકામના કરે છે પૂર્ણ

Posted On:07/30/22

બાલોદઃ છત્તીસગઢના બાલોદ જિલ્લાના કમરૌદ ગામમાં 400 વર્ષ જૂની ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા છે. આ પ્રતિમાનો આકાર તથા ઊંચાઈ વધતી હોવાનો દાવો ભક્તજનો કરતા રહે છે. જમીનમાંથી આ મૂર્તિ નીકળી હોવાથી તેને ભૂફોડ બજરંગબલીના નામથી છત્તીસગઢમાં લોકપ્રિય છે. આ મંદિરની પ્રસિદ્ધિને જોતા આ સ્થળને પર્યટન સ્થળ બનાવવાની માગણી ગામના લોકો તથા મંદિરની સમિતી કરે છે.

મંદિરની ખાસિયત એ છે કે જે પણ અહીંયા આવીને સાચા મનથી ભગવાનનું નામ લે છે, તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આથી જ લોકોની આસ્થા વધી છે. મંદિરને ભવ્ય રૂપ આપવા માટે દાનદાતાઓની મદદથી બાંધકામ કરાવવામાં આવી રહ્યું છે.

જિલ્લાના ઐતિહાસિક બજરંગબલી મંદિર અંગે અનેક લોકોએ દાવો કર્યો છે કે આ મંદિર 400 વર્ષથી વધુ જૂનું છે. મંદિરની વાસ્તવિક સ્થિતિ તથા કઈ સદીનું છે તે વાત હજી સુધી ધ્યાનમાં આવી નથી. જોકે, મંદિર પ્રત્યે લોકોની આસ્થા દિવસે દિવસે વધતી જાય છે. સરકારી તંત્ર પાસેથી આ મંદિર માટે જોઈએ તેવો સહયોગ મળતો નથી.

મંદિર સમિતિના ઉમેદ કૌશલે કહ્યું હતું કે દર વર્ષે શિવરાત્રિ પર અહીંયા મેળો ભરાય છે. બે વર્ષથી કોરોનાને કારણે મેળો ભરાયો નથી. જોકે, દાતાઓએ મળીને ભવ્ય શિવલિંગ તથા બગીચો બનાવ્યો છે. આ વર્ષે પણ મંદિરમાં પ્રવેશ આપી શકાયો નહોતો, પરંતુ કોરોના પહેલાં મંદિરમાં ભીડ રહેતી હતી.

હનુમાન જયંતી પર પણ કોઈ કાર્યક્રમ યોજાયા નહોતા. માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોએં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને હનુમાન જયંતીની ઉજવણી કરી હતી. મંદિરમાં અન્નકૂટનું પણ આયોજન થયું નહોતું.