1800 વર્ષ પુરાણા ઐતિહાસિક કપિલેશ્વર મહાદેવ મંદિર, ગાયના પગના ખરીના આકારનું શિવલિંગ, જાણો…

1800 વર્ષ પુરાણા ઐતિહાસિક કપિલેશ્વર મહાદેવ મંદિર, ગાયના પગના ખરીના આકારનું શિવલિંગ, જાણો…

કલોલના 1800 વર્ષ પુરાણા ઐતિહાસિક કપિલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ શરૂ થતા ભક્તોની ભારે ભીડ થાય છે. લોકો દૂર-દૂરથી અહીં આવે છે અને કપિલેશ્વર મહાદેવને જળ અને દુધાભિષેક સાથે બીલીપત્ર તેમજ પુષ્પ અર્પણ કરી પૂજન અર્ચન કરતા જોવા મળ્યા છે.

મંદિરના મહંત પૂર્ણાનંદ સ્વામીએ આપેલી વિગતો મુજબ 1800 વર્ષ પૂર્વે કલોલમાં વનવગડો હતો. એ સમયમાં એક ગોવાળની દૂજણી ગાય વગડામાંથી ધારે પછી આવે અને દોહવા બેસતા ત્યારે તેના આંચળમાંથી દૂધનું એક પણ ટીપુ આવતું ન હતું. આથી ગોવાળને કોઈ શંકા જતાં તે ગાયની પાછળ ફરતો અને તેણે જોયું કે તેની ગાય વગડામાં એક જગ્યાએ ઉભી રહેતી અને તેના આંચળમાંથી દૂધની ધારા આપોઆપ જમીન પર પડતી હતી.

આશ્ચર્યચકિત થયેલા ગોવાળે ગાયના આંચળમાંથી જે જગ્યા ઉપર દૂધની ધારા પડતી ત્યાં ખોદિયું તો જમીનમાંથી ગાયના પગના ખરીના આકારનું શિવલિંગ મળી આવ્યું હતું. શિવલિંગ મળી આવતા ગોવાળ દ્વારા વિક્રમ સવંત 263, ઈ સ  27/10/206 કારતક સુદ પાંચમના દિવસે મંદિરનું નિર્માણ કરાયું હતું. ગાય પોતાના આંચળમાંથી જે શિવલિંગ ઉપર દૂધની ધારા વહેવડાવતી હતી તે ગાયનું નામ કપિલા હતું. કપિલા ગાયના નામ ઉપરથી રખાયેલું આ કપિલેશ્વર મહાદેવનું અત્યારે ભવ્ય મંદિર કલોલમાં નિર્માણ થયેલું છે.

સમયના સથવારે મંદિરના સંચાલકો દ્વારા મંદિર પરિસરમાં અન્ય દેવી-દેવતાઓના મંદિર પણ નિર્માણ કરાયા છે. તળાવ કાંઠે નિર્માણાથી મંદિરમાં એન્ટર કરતા જ ભક્તજનો પરમાનંદની શાંતિનો અનુભવ કરે છે. ઉપરાંત મંદિરના સંચાલકો દ્વારા અહીં 60 રૂપિયાની નજીવી રકમથી ફૂલ ભાણું ભોજનમાં આપવામાં આવે છે. હોસ્પિટલમાં કોઈ દર્દી સારવાર લેતા હોય અને તેમને ભોજનની જરૂર હોય તો મંદિર સંસ્થાન તરફથી ફ્રી ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે.

મંદિર સંસ્થાન દ્વારા ધાર્મિક અને અન્ય પ્રસંગોમાં પણ ભાગ લઈ જરૂરિયાત મુજબની સેવા કરવામાં આવી રહી છે. કોરોના કાળ દરમિયાન સંસ્થાન દ્વારા જરૂરિયાત મંદોને નિશુલ્ક રીતે ભોજન સેવા અપાઈ હતી. પવિત્ર શ્રાવણ માસમાં કલોલ શહેરની જનતાની સાથે સાથે આસપાસની પણ ધર્મપ્રેમી જનતા મંદિરે આવી કપિલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ભજન અને ભોજનનો આનંદ માણે છે.

admin